કો’ક દિન !

17 01 2009

કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગી ના મોજા

કાંઈ અફસોસ નહીં કાંઈ નહી ફિકર
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર

આવે ને જાય એના વેઠવા શાં બોજા?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા

દૂધ મળે વાટ માં કે મળે ઝેર પીવા
આપણે તો થીર બળે આતમાના દીવા…

ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાંમોજા
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા

– મકરન્દ દવે





શ્રધ્ધાવાન

13 01 2009

સમુદ્રમાં જાળ પાથરીને
કોઈક શાંટિયાગો ઝડપાય
એની વર્ષોથી પ્રતિક્ષા કરુ છુ.
વારંવાર હાથ હલકા ને હલકા
ખાલી ને ખાલી
છતાં ગલ ફરી ફરી ને નાખ્યાં કરું છુ.
સમુદ્ર પ્રત્યે શ્રધ્ધા રાખી
સ્વપ્નો સેવ્યા કરું છુ
બીજી તરફ આકાશ ભણી
મીટ માંડી ને બેઠો છુ
એકાદ તારો એના ભંડાર માંથી
તુટી આવી ને મારા હાથ માં ભરી દે
ને કરીદે કંઈક કમાલ!
આમ તો આકાશ પાસે
વધારે અપેક્ષા ક્યાં રાખી છે
સોનાનો વરસાદ વરસાવવાનું વરદાન
ક્યાં માગ્યુ છે?
અને એવો વરસાદ શા ખપનો?
આપે તો
બસ એક મોતી કે નાનું રંગીન માછલું આપ
આખો સમુદ્ર નથી જોઈતો
સમુદ્ર સાચવવાનુ મારું ગજુ પણ નથી
બસ મારે તો નાનુ માછલુ બસ
હવે શાંટિયાગો ઝ્ડપવાની અપેક્ષા પણ નથી રહી!
-નલિન પંડ્યા





જત જણાવવાનુ તને…

9 01 2009

જત જણાવવાનુ તને કે છે અજબ વાતવરણ,
એક ક્ષણ તુ હોય છે ને એક ક્ષણ તારુ સ્મરણ !..

શબ્દનુ તો પોત તારાથી અજાણ્યુ ક્યા હતુ –
છે જ એવા અટકીને ઉભે ખરે ટાણે સજન !…

સાંજના કાગળ, કલમ ને દોત લૈ બેઠા છીયેં,
ને હજી તો વાટ સંકોરી રહ્યા વ્હાણે સજન !

કોઇ બીજાને કહુ તો નક્કી એ હાંસી કરે,
આ વિતક તારા વિના તો કોણ પરમાણે સજન !..

– રાજેન્દ્ર શુક્લ,
અરધી સદી ની વાચનયાત્રા માથી.





ગઝલ

4 01 2009

સતાવો નહી ક્યાક સંતાઇ જાશું
બની યાદ અંતર મા બીડાઇ જાશું

હ્ર્દય સરસા ચાંપી ને રાખો હ્રદયમા
નહીતર અમે ક્યાક ખોવાઇ જાશું

મુશીબત ની સાચી કદર છે અમોને
વરસસે જો તીરો તો વીંધાઇ જાશું

રહેશુ તમારો જ શણગાર થઇને
ગળાનો બની હાર રોપાઇ જાશું

પરખ જો હશે તમને ખોટા-ખરા ની
પરીક્ષા પહેલા જ પરખાઇ જાશું

ખુદા વાસ્તે હાથ પકડી જ રાખો
પીધેલા છીએ ક્યાક પટકાઇ જાશું

નહી રાખીએ માથે ઋણભાર ‘રુસ્વા’
નહી હોય ત્રેવડ તો વેચાઇ જાશું

-રુસ્વા મઝ્લુમી