તને ચાહવું એટલે ?!

10 02 2009

તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત –
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને
ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી –
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
– તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
-સંકલીત





ઠંડી ની લ્હેરકી…

20 01 2009

ઠંડી ની લહેર આવી ને ચોમેર પેસતી
સ્વેટર સ્કાફ ની લારી બજારે લાગતી
તાંપણાઓ ની તો ગોષ્ઠિ જ જામતી
સાંજઢળતી ને ઠંડી લ્હેરકીઓ પ્રસરતી
રસ્તામાં  પણ એકાંતતા ઘણી વધતી
વાતા પવનથી ઘરની બારીઓ ફફડતી
તિરાડ માંથી ઠંડી ઘરમાં જ વહેતી
એ.સી. ની સ્વિચ તો બંધ જ રહેતી
ધાબડા ને રજાઈઓ ની થપ્પીઓ વધતી
શિયાળા ની રાત્રીઓ બહુ લાંબી રહેતી
સૂરજની કિરણ શરીર તપાવતી
જાણે કે ઠંડી ને જ ભગાવતી
ચારમાસ તો જાણે આંગળીએ નચાવતી
ઠંડી છતાંય મને વ્હાલેરી જ લાગતી
શાકભાજી સહુ ઘરમાં આવતી
રોજ નવી વાનગીઓ થાળી માં પિરસાતી
શિયાળામાં શરદી ની ગોળીઓ વેંચાતી
વિક્સ અને વેસેલિન ની તો ધૂમ મચતી
નાહવામાં રજાઓ બહુ આવતી
મોડી સવારેય ઉંઘ બહુ આવતી
શાળા અને ઓફિસો નાં પર્યાણ માં
આળશ તો બહુ આવતી
ઠંડી ની લહેર આવી ને ચોમેર પેસતી
જિવન ને જાણે નવરંગ આપતી
ઠંડી મને ખૂબ વ્હાલેરી લાગતી





કંઠના કામણ

17 01 2009

યાદ આવે કંઠના કામણ હજી
ને ઝરમરે શબ્દ નો શ્રાવણ હજી
હોઠ ની પ્યાલી ને લાલી ગાલ ની
ડેલીએ ડોકાય છે ફાગણ હજી
દિવસો જુદાઇ ના વસમા હતા
શ્વાસ મા ખેંચાઇ આવે રણ હજી
દુઃખ મારા જ્યા બધા ભુલી જતો
એજ લોકોના રહ્યા વળગણ હજી
વાત મીઠી કરી’તી એમણે
ઓગળે છે ટેરવે ગળપણ હજી
સુર્ય ડુબ્યો ને ક્ષિતિજ આથમી
કેમ પાછુ ના વળે એ ધણ હજી
શહેર આખુ જાણતુ સૌ ઓળખે
એમની બસ પોળમાં અડચણ હજી
એમના પગલા પડ્યા જે ધૂળમા
એની કઇ મળતી રહે રજકણ હજી
કેમ છો એવુય પુછે દુઃખમા
એટલા મળતા રહે સગપણ હજી
– ફિલિપ ક્લાર્ક





મારા સાજન ને….

16 01 2009

મારા સાજન ને જેટલા ચાહીએ એટલુ ઓછુ લાગે
ક્યારેક એ નટખટ નાદાન તો ક્યારેક માસુમ લાગે

હર અદા નિરાળી લાગે અજબ એની કહાની લાગે
હરદમ સંગાથે રહો તોય ઓછુ જ લાગે

મસ્તી કરે તો તો ઉછળતો મહાસાગર જ લાગે
ને સંભાળે તો જીવથીયે વધુ દરકાર રાખે

આંખો ગજબ ની છે એની હર વાત કહેવાની ખુબી છે એમાં
જેટલુ કહુ મારા સાજન વિષે એટલુ ઓછુ જ લાગે

મારા સાજન ને જેટલા ચાહીએ એટલુ ઓછુ લાગે





તારું નામ

13 01 2009

હું જ બોલુ ને હું જ સાંભળુ
મૌનમાં તારુ નામ જપું છુ
છીપમાં જેવુ મોતી
એવુ હોઠમાં તારુ નામ
આંખ ની જેવી કીકી
એવુ વસી રહ્યું અભિરામ્
કષ્ઠમાં અગ્નિ જેવી લગની
મારુ છે તપ નામ જપુ છું
નામ ની ગુપ્તગંગા વ્હેતી
ક્યાંય નથી કોઈ કાઠો
નામ તો તારું મધની મટકી
નામ શેરડીનો સાંઠો
ઘટમાં ઘટનાં એકજ રટનાં
તારા નામમાં હું જ ખપુ
-સુરેશ દલાલ્





ચાલ થયુ…

13 01 2009

ચાલ થયુ જોઉ સંધ્યા ના રંગ
તેમા ઘોળાયા આપણ યાદો ના રંગ
યાદ આવી જ્યારે ગાળી હતી
આપણે સંગાથે હર ક્ષણ
પ્રેમ થી તરબતર એ યાદો નો
ગુલદસતો કોઈ હાથ ધરી ગયો
જુદાઈ ની પળો માં સાજન
સમણા માં મળવાનુ નક્કી કરી ગયો
રાત પળે ને તારલાઓ ની
ગોષ્ઠિ થાય એમજ
મારા સાજન સંગ મીઠી સી
વાતો ની રમઝટ થાય
આંખ બંધ કરતા ચહેરો એમનો
મીઠોસો મલકતો દેખાય
ત્યાંજ તો બસ અનંત સી આતમ ને
ધન્યતા અનુભવાય…
– મોનાલિસા લખલાણી





પતંગ

9 01 2009

આકાશ મા ઉડે રે રંગીલો પતંગ

ગગન ચુંબે રે મોજીલો પતંગ

રાજ કરે નભ પર ઉડતો પતંગ

શીખવે જીવનની કળા પ્યારો પતંગ

આભને આંબો પણ ધરા ને ના વિસરો,

દોર છે કોક ના હાથ મા હજુ તો,

જાજુ ગુમાન તમે ત્યાગો,

અન્યને કાપવાની લ્હાય માં,

ખુદ જ ક્યાક ના કપાઇ જાઓ

ઉંચેરા આભથી સીધા જ ધરતી પર

ક્યાક ના પછડાઇ જાઓ!

સરસ પાઠ શીખવે રે પતંગ

આકાશ મા ઉડે રે રંગીલો પતંગ

ગગન ચુંબે રે મોજીલો પતંગ

– મોનાલીસા લખલાણી





ગઝલ

3 01 2009

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

-મરીઝ





મારુ તારુ

2 01 2009

લે આ મને ગમ્યુ તે મારુ

પણ જો તને ગમે તારુ

મારુ તારુ ને ગમવુ પણ

લાવ લાવ કરીએ સહિયારુ

તુ જીતે ને થાવ ખુશી હુ

લે ને ફરી ફરી ને હારુ

ઇટ્ટા કિટ્ટા એક ઘડી ના

બાકી સઘળુ પ્યારુ પ્યારુ

હસીયે રમીયે પ્યારુ લાગે

થુ આંસુ તો લાગે ખારુ

ગીત હોય તો શીદ અબોલા

તુ ઝીલી લે હુ લલકારુ

રમીયે ત્યા લગ હાથ રમકડુ

મોજ મહી શુ મારુ-તારુ

– રાજેન્દ્ર શુક્લ





ન કશુ જ અલ્પ ન કશુ જ અધિક

2 01 2009

ન કશુ જ અલ્પ ન કશુ જ અધિક

બસ લાગે બધુજ જાણે નજીક

સુખની સરવાણી પાસ આવતી લાગે

તાપમાય મીઠી ચાંદની ઘોળાતી લાગે

નયનો મા અજબની ખુમારી લાગે

ન હોવા છતા કોઇ પાસ જ લાગે

પ્રેમ થયા પછી બધુ પ્યારુ જ લાગે

સમણાઓ નો રાતભર મેળો લાગે

ઉલ્લાસ જ ચોમેર ફરતો લાગે

નજીવી આહટ થી કોઇ ના આગમન

ના અણસાર સાલે

નાહકની આખો કષ્ટ જ ઉપાડે

ચારેકોર નહી પણ અંતર મા એ મળી આવે

ન કશુ જ અલ્પ ન કશુ જ અધિક

એમની તરફથી મળે એ સંપૂર્ણ લાગે

એના થકી જ જિવન ધબકતુ રહે

ચહેરા પર મીઠુ હાસ્ય રમતુ રહે