તને ચાહવું એટલે ?!

10 02 2009

તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત –
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને
ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી –
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
– તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
-સંકલીત





બીજો રંગ

17 01 2009

જહાંગીર બાદશાહ એક વખત ઝરૂખામાં બેઠા હતા. તે વખતે એક ઘોડેસવાર માથે સુંદર ફેંટો પહેરીને જતો હતો. બાદશાહને ફેંટાનો રંગ બહુ ગમી ગયો. તેણે ઘોસેસવારને બોલાવ્યો અને પુછ્યું,”તે તારો ફેંટો ક્યાં રંગાવ્યો છે?” જવાબમાં ઘોડેસવારે એક રંગરેજ બાઈનું ઠેકાણું બતાવ્યું.

બાદશાહે તે બાઈને બોલાવીને પૂછ્યું, ”તુ મને આવા રંગનો ફેંટો બનાવી આપે? ”

બાઈએ કહ્યું, ”ઝીણી મજલીન લઈ આપો તો રંગી આપુ પણ તેના જેવો તો રંગ નહી જ થાય ”

બાદશાહ : ”કેમ નહીં થાય?”

બાઈ : ” કારણ કે તેમનાં પર તો બેવડા રંગ ચડેલા છે ”

બાદશાહ  : ”મારા ફેંટા ને ચાર વખત રંગજે”

બાઈ: ”બેવડા રંગ માત્ર તોલપન થી નાખેલાં તે નહીં. તેમાં એક રંગ તો જે દેખાય છે તે – અને બીજો રંગ તે આશકીનો. આશકી નો રંગ બધા પર ના ચડે.”

– રવિશંકર મહારાજ





કો’ક દિન !

17 01 2009

કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગી ના મોજા

કાંઈ અફસોસ નહીં કાંઈ નહી ફિકર
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર

આવે ને જાય એના વેઠવા શાં બોજા?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા

દૂધ મળે વાટ માં કે મળે ઝેર પીવા
આપણે તો થીર બળે આતમાના દીવા…

ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાંમોજા
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા

– મકરન્દ દવે





તારું નામ

13 01 2009

હું જ બોલુ ને હું જ સાંભળુ
મૌનમાં તારુ નામ જપું છુ
છીપમાં જેવુ મોતી
એવુ હોઠમાં તારુ નામ
આંખ ની જેવી કીકી
એવુ વસી રહ્યું અભિરામ્
કષ્ઠમાં અગ્નિ જેવી લગની
મારુ છે તપ નામ જપુ છું
નામ ની ગુપ્તગંગા વ્હેતી
ક્યાંય નથી કોઈ કાઠો
નામ તો તારું મધની મટકી
નામ શેરડીનો સાંઠો
ઘટમાં ઘટનાં એકજ રટનાં
તારા નામમાં હું જ ખપુ
-સુરેશ દલાલ્





શ્રધ્ધાવાન

13 01 2009

સમુદ્રમાં જાળ પાથરીને
કોઈક શાંટિયાગો ઝડપાય
એની વર્ષોથી પ્રતિક્ષા કરુ છુ.
વારંવાર હાથ હલકા ને હલકા
ખાલી ને ખાલી
છતાં ગલ ફરી ફરી ને નાખ્યાં કરું છુ.
સમુદ્ર પ્રત્યે શ્રધ્ધા રાખી
સ્વપ્નો સેવ્યા કરું છુ
બીજી તરફ આકાશ ભણી
મીટ માંડી ને બેઠો છુ
એકાદ તારો એના ભંડાર માંથી
તુટી આવી ને મારા હાથ માં ભરી દે
ને કરીદે કંઈક કમાલ!
આમ તો આકાશ પાસે
વધારે અપેક્ષા ક્યાં રાખી છે
સોનાનો વરસાદ વરસાવવાનું વરદાન
ક્યાં માગ્યુ છે?
અને એવો વરસાદ શા ખપનો?
આપે તો
બસ એક મોતી કે નાનું રંગીન માછલું આપ
આખો સમુદ્ર નથી જોઈતો
સમુદ્ર સાચવવાનુ મારું ગજુ પણ નથી
બસ મારે તો નાનુ માછલુ બસ
હવે શાંટિયાગો ઝ્ડપવાની અપેક્ષા પણ નથી રહી!
-નલિન પંડ્યા





ટાઇપરાઇટર ને સંભારજો

9 01 2009

કોઇ ટાઇપરાઇટર બરાબર ચાલતુ હોય, પણ ફક્ત એક જ અક્ષર ની કળ તેમા બગડી ગઇ હોય તો તેની ઉપર ટાઇપ કરેલ લખાણ કેવુ લાગે એનો એક નમુનો અંગ્રેજી જાણતા વાચકો માટે નીચે આપેલ છે.

My typ*writ*r works quit* w*ll *xc*pt for on* k*y. Som*tim*s it s**ms to m* that our group is lik* my typ*writ*r, not all the k*ys working prop*rly. You may say, “w*ll I am only on* p*rson it won’t mak* much diff*r*nc*.” But you s**, for th* group to b* *ff*ctiv*, it n**ds the activ* participation of *very person.
So the n*xt tim* you think that your *ffort is not n**d*d, r*m*mb*r my type*writ*r and say it to yours*lf: “I am a k*y p*rson and n**d*d v*ry much!”

સમાજ પણ આ ટાઇપરાઇટર જેવો છે. માણસ વિચાર કરે છે કે, હુ એક જ આમ કરીશ કે તેમ નહી કરુ તો કશો ફેર પડી જવાનો નથી. પણ ઉપરના લખાણમાથી જણાશે કે સૌને જો અસરકારક બનવુ હોય તો દરેક વ્યક્તિના સક્રીય ફાળાની જરૂર પડે છે. એટલે હવે પછી જ્યારે તમને એમ લાગે કે, તમારા પ્રયત્ન ની જરૂર નથી ત્યારે આ ટાઇપરાઇટર ને સંભારજો અને તમારી જાતને કહેજો કે, “હુ મહત્વની વ્યક્તિ છુ અને મારી ઘણી જરૂર છે. ”
અરધી સદીની વાચનયાત્રા ભાગ 2





જત જણાવવાનુ તને…

9 01 2009

જત જણાવવાનુ તને કે છે અજબ વાતવરણ,
એક ક્ષણ તુ હોય છે ને એક ક્ષણ તારુ સ્મરણ !..

શબ્દનુ તો પોત તારાથી અજાણ્યુ ક્યા હતુ –
છે જ એવા અટકીને ઉભે ખરે ટાણે સજન !…

સાંજના કાગળ, કલમ ને દોત લૈ બેઠા છીયેં,
ને હજી તો વાટ સંકોરી રહ્યા વ્હાણે સજન !

કોઇ બીજાને કહુ તો નક્કી એ હાંસી કરે,
આ વિતક તારા વિના તો કોણ પરમાણે સજન !..

– રાજેન્દ્ર શુક્લ,
અરધી સદી ની વાચનયાત્રા માથી.





લખવી છે નવલીકા???

9 01 2009

બહેનના વિવાહ કરવાના હતા મહુરતિયાની શોધ શરૂ થઈ પણ થોડા દિવસ પછી એ યુવતીએ વડીલ ભાઇને જણાવ્યુ જે પોતે ફલાણાની સાથે ઠીક ઠીક કાળથી પ્રેમમા છે ને તેની સાથે જ પરણવાની છે – બીજા કોઇ સાથે નહીં. માટે કશી ખટપટ કરશો નહી

મોટા ભાઇ પહેલા તો જરા ડઘાઇ ગયા. પછી પેલા પ્રેમિક સંબંધે સવાલો પૂછ્યા. ઊલટ તપાસ ચલાવી…છે બીજી ન્યાતનો ને વળી ઘણો છેટેનો વતની. ઉંમર તો બરાબર પણૅ કુટુંબ સાવ અજાણ્યુ.

હવે… એને વિશે વધુ તપાસ શી રીતે કરવી? એની ખાનદાનીનુ, દિલસચ્ચાઇનુ પારખુ કઇ રીતે કરવુ? વિચાર કરતા મોટા ભાઇ એક દિવસ સીધા જ પહોચી ગયા બહેનના એ પ્રેમિક પાસે. ‘તમે મારી બહેન સાથે પ્રેમ મા છો?’

‘હા મુરબ્બી.’
‘સાચ્ચા જ પ્રેમમાં? કે પછી ઉપલક ગરબડ?’
‘જી, પોતે તો શુ કહુ? પણ લગ્ન કરવાની પુરી તૈયારી છે. કશી દિલચોરી નથી જ.’
‘તો એમ કરશો? મરી બહેનના જે કાઇ કાગળ-ચીઠ્ઠી તમારી પાસે હોય તો મને સોંપી દેશો?’
‘ખુશી થી… હમણા આવુ છુ.’ કહીને જુવાન ગયો અને થોડી વારમા દસ પંદર પત્રોનુ પડીકુ લાવેને વડિલના હાથમા ધરી દીધું
‘હુ એને લૈ જાઉં તો હરકત નથી ને?’
‘એમા હરકત શી હોય? મારે તે બીજા કોઇ ઉપયોગ માટે તો જોઇતા નથી – ભલે મારુ લગ્ન તમારે ત્યા થાય કે ન થાય…’

બસ મળી ગયો પુરાવો. ખાનદાનીનો. પુરેપુરો. ભાઇએ ઘેર જઈને વડિલોને ખાતરી કરાવી દીધી. બહેનના લગ્ન તેના એ પ્રેમિક સાથે થઇ ગયા.

લખવી છે? તો લખો નવલીકા. વાત સાચી છે. ଑ଓ[‘અક્ષર’ સામાયિક : 1971]
અરધી સદી ની વાચનયાત્રા ભાગ – 2 માથી.





ગઝલ

4 01 2009

સતાવો નહી ક્યાક સંતાઇ જાશું
બની યાદ અંતર મા બીડાઇ જાશું

હ્ર્દય સરસા ચાંપી ને રાખો હ્રદયમા
નહીતર અમે ક્યાક ખોવાઇ જાશું

મુશીબત ની સાચી કદર છે અમોને
વરસસે જો તીરો તો વીંધાઇ જાશું

રહેશુ તમારો જ શણગાર થઇને
ગળાનો બની હાર રોપાઇ જાશું

પરખ જો હશે તમને ખોટા-ખરા ની
પરીક્ષા પહેલા જ પરખાઇ જાશું

ખુદા વાસ્તે હાથ પકડી જ રાખો
પીધેલા છીએ ક્યાક પટકાઇ જાશું

નહી રાખીએ માથે ઋણભાર ‘રુસ્વા’
નહી હોય ત્રેવડ તો વેચાઇ જાશું

-રુસ્વા મઝ્લુમી





ગઝલ

3 01 2009

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

-મરીઝ